પ્રારંભ
અહીં કંઈ બનતું નથી. કંઈ સુધરવાનું નથી, કંઈ તૂટવાનું નથી. કોઈ અર્થઘટન આવવાનું નથી. કોઈ નિષ્કર્ષ નહીં. આ એ શબ્દોના દોરાનો છૂટો છેડો છે, જે એક સમયે અવાજો હતા. એવા અવાજો જે ક્યારેક વિશ્વમાં અહીં-તહીં ગુંજ્યા હતા — અવકાશના કોઈ ખૂણે, કે કદાચ ફક્ત કોઈ માનવીના મનના કોઈ ખૂણે. હવે, જ્યારે આ પંક્તિઓ તારી આંખો સામેથી પસાર થાય છે, ત્યારે એ અવાજોની ઊર્જા ક્યારનીય ઓસરી ચૂકી છે, અને પાના પર ફક્ત તેમની કાલ્પનિક છાપ બાકી રહી છે. બધા શાંત થઈ ગયા છે. બધા અવાજો, અને કદાચ એ આખી દુનિયા પણ, અને એનાં માણસો પણ. બની શકે કે જે મન એ અવાજોની છાપ કાગળ પર પાડતું હતું, તેણે ક્યારનોય શ્વાસ લેવો છોડી દીધો હોય. જેમ આ વાક્ય વાંચતાં વાંચતાં આ જ ક્ષણ વીતી ગઈ, તેમ આ પુસ્તકની બધી ક્ષણો વીતી ચૂકી છે. એવી ક્ષણો અને ચિત્રો, જે દુનિયાની ઘટનાઓના તાવભર્યા કોલાહલમાં ખોવાઈ જાત, જો અહીં નોંધાયાં ન હોત. નોંધાયાં, જેથી મારી દુનિયા અને તારી દુનિયા વચ્ચે એક પુલ બને. એક પુલ — હું આ વાક્યો લખી રહ્યો છું એ ક્ષણની મારી દુનિયાથી, તું એમને વાંચવા બેસે છે એ ક્ષણની તારી દુનિયા સુધી. હું આ બાજુથી શબ્દોનો દોરો ઉકેલું છું, અને તું પેલી બાજુથી એને સમેટે છે. જેમ બાળપણમાં Maman જૂનાં કપડાંનું ઊન ઉકેલતી, અને અમે એનો દોરો ઝાલીને ઘરમાં ફરતા રહેતા, જેથી ઊન એક ઉપર એક ઢગલો ન થાય. કદાચ તારી પેઢી એ ઊનની દુનિયાથી થોડાં વર્ષ મોડી આવી હોય, પણ કલ્પના કર: એક સમય હતો, દુનિયાના કોઈ ખૂણે, જ્યારે બાળકોની રમત આવી હતી. હવે હું શબ્દોનો દોરો ઉકેલું છું — તું એને ઉપાડી લે અને તારી પોતાની દુનિયામાં લઈ જા, જેથી અહીં, મારી દુનિયામાં, એ ઢગલો ન થાય.